"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ પણ છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ છે. એ પણ ટુંક સમયમાં આવકાર વેબસાઇટ પર અપલોડ થઈ શકે છે.!!

વસમી વિદાય ...(Vasmi Viday)

Related

વસમી વિદાય ..."
******************* અશ્વિન રાવલ (અમદાવાદ)
રાત્રે ૧૦ વાગે અમદાવાદથી ઉપડેલો ગુજરાત મેલ તેની પુરપાટ ગતિ થી મુંબઈ તરફ ધસમસતો હતો. ફર્સ્ટ ક્લાસના એસી કોચ માં પણ આંખો ઊંઘવાનું નામ નહોતી લેતી. રાતના ૧૨ વાગી ગયા હતા. વડોદરા હજુ હમણાં જ પસાર થયું હતું.."


#આવકાર
વસમી વિદાય

વડોદરા !!! કેટલી બધી સ્મૃતિઓ આ શહેર સાથે સંકળાઇ હતી !! એ રોમાંચક મીઠી યાદોનું ઘોડાપૂર ભૂતકાળને ખેંચીને ટ્રેનની સાથે ને સાથે મુંબઈ તરફ ધસી રહ્યું હતું.

આવો ઉન્માદ, આવી બેચેની, આટલી અધીરાઈ તો મારી આખી જિંદગી માં મેં ક્યારે પણ નથી અનુભવી ! ક્યારે મુંબઈ આવશે ? આજે તો રાત પણ જાણે બહુ લાંબી લાગતી હતી.

કેતકી આટલાં વર્ષો પછી આજે મારા દિલોદિમાગ ઉપર છવાઈ ગઈ હતી. રોમેરોમ આજે કેતકીમય બની ગયું હતું. લગભગ ૩૨ વર્ષ પછી હું કેતકી ને મળવાનો હતો. હા, ૩૨ વર્ષ ના વિરહ પછી !! અને મારું મન ફરી પાછું ભૂતકાળમાં સરકી ગયું.

..............................................

કેતકીની મારી મુલાકાત વડોદરાની અમદાવાદી પોળમાં થયેલી. ૧૯૮૯ નું એ વર્ષ !! ત્યારે મારી ઉંમર ૧૮ વર્ષની. મેડિકલ કૉલેજના પહેલા વર્ષમાં હું ભણતો.

આમ તો હું હોસ્ટેલમાં રહેતો પણ મારાં એક માસી અમદાવાદી પોળમાં રહેતાં એટલે દર રવિવારે મારે માસીના ત્યાં જ જમવા જવું એવો એમનો આગ્રહ હતો.

જ્યારે પણ માસીના ત્યાં રવિવારે હું જમવા જાઉં ત્યારે માસી તેમની પાડોશમાં રહેતી કેતકીને મદદમાં બોલાવી લેતાં. પોળોમાં પાડોશીને મદદ કરવી એ એક સામાન્ય બાબત હતી. માસી રસોઈ કરતાં હોય ત્યારે કેતકી એમને મદદ કરતી અને મને પીરસવાનું કામ તો હંમેશા કેતકી જ કરતી.

પહેલા બે-ત્રણ રવિવાર સુધી તો મેં કોઈ નોંધ ના લીધી પણ એક મહિના પછી મને હવે કેતકીમાં રસ પડવા લાગ્યો. મને એમ લાગ્યું કે એનામાં કંઈક વિશેષ હતું . પહેલીવાર મેં એ પણ નોંધ લીધી કે એ ખૂબ જ રૂપાળી અને સૌંદર્યવાન હતી. બોલકી પણ એટલી જ હતી. એ દરેક વખતે મને આગ્રહ કરી કરીને જમાડતી.

"શરમાયા વગર તમે શાંતિથી જમજો. માસીનું જ ઘર છે અને પીરસનાર પણ કેતકી છે. તમારી હોસ્ટેલમાં આવું જમવાનું ક્યારેય નહીં મળે ડોક્ટર સાહેબ" આવી વાતો કહીને એ હસી પડતી.

ત્રણેક મહિનામાં તો હું અને કેતકી ખુબ જ નજીક આવી ગયાં. પહેલા પ્યારની આ અનુભૂતિ ખૂબ જ રોમાંચક હતી. પહેલાં તો હું જમીને તરત નીકળી જતો. પણ હવે કેતકીની કંપની છોડીને હોસ્ટેલ જવાનું મન પણ નહોતું થતું. ઘણીવાર તો સાંજ સુધી હું રોકાતો. ૧૭ વર્ષની કેતકી મેટ્રિકમાં હતી. એટલે ઘણીવાર હું એને ટ્યૂશન પણ આપતો. ન આવડતા સવાલો સમજાવતો. માસીને કે એની મમ્મીને મારી સાથે કેતકી સમય ગાળે એનો કંઈ જ વાંધો નહોતો.

કેતકીના પિતાનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું. મોટી દીકરી લતાનું લગ્ન થઈ ગયું હતું એટલે એ મુંબઈ સાસરે હતી. ઘરમાં કેતકી અને એની મમ્મી બે જ જણાં હતાં. કેતકી લોકો વૈષ્ણવ વાણિયા હતાં. કેતકીના મામા સુરતમાં ટેક્સટાઈલના ધંધામાં હતા અને ખૂબ સુખી હતા એટલે એ તમામ ખર્ચો દર મહિને મોકલી આપતા.

જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ હું અને કેતકી એકબીજાનાં બની ગયાં. મને હવે કેતકી વગર ચેન પડતું નહોતું અને કેતકી પણ મારા વગર રહી શકતી નહોતી. કોલેજ છૂટે ત્યારે ક્યારેક એ કૉલેજના દરવાજે આવીને ઉભી રહેતી અને અમે સાથે ક્યાંક ફરવા નીકળી જતાં. ૧૯૮૯ ના એ જમાનામાં મોબાઈલ ફોન નહોતા.

એક રવિવારે માસી એ મને વાત કરી કે "જો સુનિલ, તારા અને કેતકી વચ્ચેના ખેંચાણને હું જાણું છું. મને કેતકી માટે કોઈ જ વાંધો નથી અને આવી દીકરી આપણા ઘરમાં આવે તો સોનામાં સુગંધ ભળે. સુધાબેનને પણ તારા જેવો ડોક્ટર જમાઈ મળે તો એ પણ આ સંબંધને સ્વીકારી લેશે. પણ તું હવે ભણવામાં ધ્યાન આપ. કેતકી ક્યાંય જવાની નથી " માસીએ કહ્યું.

બીજા દિવસે કેતકી કૉલેજના ગેટ ઉપર મળી ત્યારે માસીની સંમતિની મેં વાત કરી. મારી વાત સાંભળીને કેતકી ખૂબ જ શરમાઈ ગઈ અને એની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં.

"બસ તો હવે ડોક્ટર સાહેબ, આજથી હું તમને મારા પતિ જ માનીશ. જોજો હોં , સબંધ નિભાવજો અને મને ભૂલી ના જતા. આ કન્યા હવે જનમો જનમ તમારી થઈ ચૂકી છે." અને અચાનક કેતકીએ નીચા નમીને મારો ચરણસ્પર્શ કર્યો. એ સંસ્કાર, એ રોમાંચક ક્ષણને મારી જિંદગીમાં હું ક્યારેય ભૂલી નહીં શકું.

પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે મારી અને કેતકીની એ છેલ્લી મુલાકાત હતી !! હા, અમારાં સપનાં અધુરાં જ રહી ગયાં ...

ક્યારેક જિંદગીમાં ઘટનાઓ ખૂબ ઝડપથી બનતી હોય છે. ત્રણ દિવસ પછી કેતકીનાં મામી અચાનક યુવાન વયે હાર્ટ એટેકમાં ગુજરી ગયાં. મામાએ સુરતથી તાત્કાલિક ટેક્સી મોકલી અને કેતકી તથા એના મમ્મી સુધાબેનને સુરત બોલાવી લીધાં. કેતકીની એ વિદાય મારા માટે વસમી વિદાય પુરવાર થઈ.

કેતકીના દીપકમામાને સંતાનમાં ૨ બાળકો હતાં. ૧૨ અને ૧૦ વર્ષ નાં. એટલે બાળકોની સંભાળ માટે તાત્કાલિક સુધાબેનને ભાઈના ઘરે જ રોકાઈ જવું પડ્યું.

કેતકી મેટ્રિકમાં હતી એટલે એનો અભ્યાસ ના બગડે તેથી દીપકમામાએ વડોદરા આવીને સ્કૂલમાંથી કેતકીનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કઢાવી લીધું અને એને સુરતની કોઈ હાઈસ્કૂલમાં એડમિશન અપાવી દીધું.

એક મહિના પછી માસીના ઘરે કેતકીનો મારા માટે એક પત્ર આવ્યો. એ જમાનામાં મોબાઈલ નહોતા કે દરેક ઘરમાં ટેલિફોન પણ નહોતા.

કેતકી એ પત્રમાં દિલથી પોતાનો ભરપૂર પ્રેમ ઠાલવી નાખ્યો હતો અને જાણે રડતાં રડતાં પત્ર લખ્યો હોય એમ સ્પષ્ટ લાગતું હતું.

મને ધીરજ રાખવાની સલાહ આપી હતી અને એના માટે રાહ જોવાની પણ વિનંતી કરી હતી. છેલ્લે છેલ્લે લખ્યું હતું...

" ડોક્ટર સાહેબ, મેં તમને સાચા હૃદયથી પ્રેમ કર્યો છે અને તન મન ધનથી હું તમને વરી ચૂકી છું. મારો હાથ અને સાથ કદી પણ ના છોડતા ... તમારી કેતકી."

એ પછીના છ મહિનામાં કેતકીના બીજા બે પત્રો માસીના ઘરે આવ્યા. કેતકીના મામાનો સ્વભાવ ખુબ જ ગુસ્સાવાળો હતો એટલે કેતકીએ એના એક પણ પત્રમાં એનું એડ્રેસ નહોતું લખ્યું.

પરીક્ષાઓ નજીક આવતી હતી એટલે મેં હાલ પૂરતું મારું ધ્યાન અભ્યાસમાં પરોવ્યું અને થોડા દિવસો માટે કેતકીના વિચારોમાંથી હું બહાર નીકળી ગયો. પરંતુ રોજ હું કાગના ડોળે કેતકીના પત્રની રાહ જોતો. વેકેશનમાં અમદાવાદ ગયો ત્યારે પણ માસીને કહેતો ગયો કે કેતકીનો પત્ર આવે તો તમે મને અમદાવાદ રૂબરૂ આવીને આપી જજો.

કોલેજના બીજા વર્ષમાં એડમિશન લીધા ને પણ છ મહિના થઈ ગયા તો પણ કેતકીનો કોઈ પત્ર ના આવ્યો. સુરત જઈને રૂબરૂ તપાસ કરવાની પ્રબળ ઈચ્છા થઈ આવતી પણ માસી મને રોકી દેતાં. અને એમ બીજા વર્ષની પરીક્ષાઓ પણ પતી ગઈ.

કેતકીથી છૂટા પડ્યાને દોઢ વરસ થવા આવ્યું હતું. હવે તો ગમે તેમ કરીને કેતકીની તપાસ કરવી જ પડશે એમ માનીને મારા એક મિત્રને લઈને વેકેશનમાં હું સુરત ગયો અને બે દિવસ હોટલમાં રોકાયો.

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં દીપકભાઈ પરીખ વિશે અમે ખૂબ તપાસ કરી તો એક જગ્યાએથી જાણવા મળ્યું કે દીપકભાઈનાં બીજાં લગ્ન મુંબઈમાં થયા પછી એ એમનો પાવરલૂમ્સનો ધંધો સમેટીને કાયમ માટે મુંબઈ જતા રહ્યા છે. અમે એમના બંગલાનું એડ્રેસ મેળવીને એમના ઘરે ગયા તો ઘરે તાળું હતું અને ઘણા સમયથી બંગલો બંધ હોય એવું લાગતું હતું.

કેતકી વિશેની રહી સહી આશા પણ હવે તો ધૂંધળી થતી જતી હતી. કેતકી ને ક્યાં શોધવી ? કેતકી અને એની મમ્મી પણ મુંબઈ ગયા હશે કે સુરતમાં જ હશે એનો કોઈ જવાબ અમને મળતો નહોતો.

સમયને પસાર થતાં વાર લાગતી નથી. જિંદગી એની રફતાર પ્રમાણે આગળ વધતી જ જાય છે અને ભૂતકાળ ધીમે ધીમે ધૂંધળો થતો જાય છે.

હું એમ.ડી ડોક્ટર થઈ ગયો. માસીનું વડોદરામાં કિડની ફેલ થવાથી અવસાન થઈ ગયું.

મારા માટે સારા સારા ઘરનાં માગાં આવવા લાગ્યાં. ડોક્ટર છોકરીઓનાં માબાપ પણ અમારા ઘરે પ્રપોઝલ લઈને મળવા આવતાં પણ કેતકીને આપેલા વચનની મારા માટે બહુ મોટી કિંમત હતી અને હું કોઈપણ હિસાબે કેતકી સાથે વિશ્વાસઘાત કરવા માગતો નહોતો. મેં લગ્ન ન કરવાનો પાક્કો નિર્ણય લીધો..

બસ, એ પછી મારા વ્યવસાયને મેં મારુ સેવા કેન્દ્ર બનાવ્યું અને સંપૂર્ણપણે લોકોની સેવા કરવામાં જ મારું ધ્યાન પરોવ્યું. પિતાની વિદાય પછી મમ્મી એકલી પડી ગઈ એટલે અમારા બંગલામાં જ રીનોવેશન કરાવી ને મારુ પોતાનું કન્સલ્ટિંગ ચાલુ કર્યું અને ઘરકામ અને રસોઈ માટે એક બાઇ રાખી.

મારા સેવાભાવી સ્વભાવને કારણે મેડિકલના વ્યવસાયમાં મને ખૂબ નામના મળી . આમને આમ ૫૦ વર્ષની ઉંમર વટાવી દીધી એની ખબર પણ ના પડી.

સવારથી મારા ત્યાં દર્દીઓની લાઈન લાગતી. ૧૦ થી ૧ વચ્ચે હું પેશન્ટો જોતો અને ત્યારબાદ હોસ્પિટલમાં મારી સેવાઓ આપતો.

પણ બે દિવસ પહેલા જે બન્યું એનાથી મારા શાંત વહેતા જીવનમાં અચાનક વમળો પેદા થયાં.

રાબેતા મુજબ ૧૦ વાગે મેં કન્સલ્ટિંગ રૂમમાં આવીને બેલ મારીને મારી રિસેપ્શનીસ્ટ ને પેશન્ટોને એક પછી એક અંદર મોકલવાનું કહ્યું. પહેલો પેશન્ટ એક યુવાન હતો. એને બાજુ ની ચેર ઉપર બેસાડી તબિયત વિશે પૂછવાનું ચાલુ કર્યું ત્યાં મારી વાતને અધવચ્ચેથી જ કાપી એણે કહ્યું...

" ડોક્ટર સાહેબ હું પેશન્ટ નથી. હું આજે સવારે જ મુંબઈથી આવ્યો છું. સવારે નવ વાગ્યાથી તમારા વેઇટિંગ રૂમમાં બેઠો છું. તમને આ એડ્રેસ આપું છું. તમે વહેલામાં વહેલી તકે મુંબઈ આવી જાવ. આ કવરમાં કેતકી બેનનું એડ્રેસ છે ." અજાણ્યો યુવાન બોલ્યો.

અધીરાઈ પૂર્વક મેં કવર ખોલ્યું તો એમાં માત્ર યોગીનગર બોરીવલીના એક ફ્લેટનું એડ્રેસ હતું.

મેં એ યુવાન ઉપર પ્રશ્નોની ઝડી વરસાવી પણ એણે કંઈપણ માહિતી ના આપી. એ બે હાથ જોડીને ઉભો થઈ ગયો. " મારી રીક્ષા વેઇટિંગમાં છે એટલે હું જાઉં છું. તમે વહેલી તકે પહોંચી જજો. "

.............................................

વિચારો અને વિચારોમાં સુરત પણ આવી ગયું. હવે મારે થોડા કલાક સુઈ જવું જોઈએ નહીં તો આખી રાતનો ઉજાગરો વેઠીને હું કેતકીને મળવાનો આનંદ પણ ગુમાવી બેસીશ. આરામ જરૂરી હતો. .

સવારે ૬ વાગે બોરીવલી ઉતરીને સૌથી પહેલા કોઈ સારી હોટલમાં બે-ત્રણ કલાક આરામ કરવાનું મેં નક્કી કર્યું. થોડો આરામ પણ મળશે અને ફ્રેશ પણ થઈ જવાશે.

લગભગ દસ વાગે યોગીનગર પહોંચી ગયો અને એડ્રેસ મુજબના ફ્લેટ ઉપર જઈને દરવાજાની બહાર બે મિનિટ ઉભો રહ્યો. હૃદય ખૂબ જોરથી ધડક ધડક થતું હતું. કેટલા બધા વર્ષો પછી કેતકી આજે ફરી મારી સામે આવવાની હતી. ધ્રુજતા હાથે કોલબેલ દબાવી .

થોડી ક્ષણો પછી દરવાજો ખૂલ્યો તો સામે એક ખૂબસૂરત ગોરી યુવતી મલકાતી ઉભી હતી. ઉંમર લગભગ ૨૭ ૨૮ આસપાસ હશે. આબેહૂબ જાણે યુવાનીના ઉંબરે પહોંચેલી કેતકી જ ઉભી હતી !!!

"ડોક્ટર સાહેબ ફ્રોમ અમદાવાદ...... રાઈટ ? " યુવતી બોલી.

" યસ. હું ડોક્ટર સુનીલ " મેં કહ્યું.

" હું જાનકી. કેતકીમાસીની લાડકી ભાણી. અંદર આવો ને ? " યુવતીએ કહ્યું.

અને મેં અંદર જઈ સોફા ઉપર બેઠક લીધી. મારી નજરો ચારે તરફ કેતકીને શોધી રહી હતી. કેતકી કદાચ બીમાર હોય અને બેડરૂમમાં આરામ કરતી હોય એવું પણ બને.

" તમે ચા તો પીવો છો ને ? સવાર સવારમાં ચા વધારે સારી. સરસ ચા બનાવી દઉં. અત્યારે વાતાવરણમાં ઠંડક પણ છે " જાનકી બોલી.

"હા... પણ કેતકી કેમ દેખાતી નથી ? હું એને મળવા દોડતો આવ્યો છું " મેં કહ્યું.

" સાહેબ આટલા બધાં વર્ષો ધીરજ રાખી છે તો થોડી મિનિટો ધીરજ નહીં રાખી શકો ? " કહી જાનકી સ્મિત કરતી રસોડામાં ગઈ.

દશેક મિનિટ પછી જાનકીએ ચા અને બિસ્કીટ મારી સામે ટેબલ પર મુક્યાં અને પોતે બેડરૂમ માં ગઈ.

જાનકીએ ચા ખરેખર સરસ બનાવી હતી. કેતકીને આદુ ફુદીનાવાળી ચા ખૂબ જ ભાવતી. જાનકીએ પણ એ પરંપરા નિભાવી હતી.

થોડીવારમાં જાનકી બેડરૂમમાંથી બહાર આવી અને સુંદર ફ્રેમમાં મઢેલો કેતકી નો એક સુંદર યુવાન ફોટો મારા હાથમાં પકડાવી દીધો.

" કેતકી માસી હવે આ દુનિયામાં નથી. એક મહિના પહેલાં જ કેન્સરમાં એમનું અવસાન થયું છે. કેતકી માસી એ લગ્ન કર્યાં ન હતાં. અને દસ વર્ષ પહેલાં મારા મમ્મી પપ્પાનું કાર એક્સીડન્ટમાં અચાનક અવસાન થતાં કેતકીમાસીએ જ મને સંભાળી લીધી છે." જાનકી કહી રહી હતી.

"છેલ્લા દસ વર્ષથી હું માસીની સાથે જ રહું છું. માસીના છેલ્લા દિવસોમાં તમારું એડ્રેસ મને એમણે લખાવેલું છે. ત્રણેક મહિના પહેલા માસીએ તમારા નામે એક પત્ર પણ લખ્યો છે અને મને પણ કેટલીક સૂચનાઓ આપી છે જેનો અમલ કરવા હું બંધાયેલી છું. માસી ને હું ખૂબ જ પ્રેમ કરતી હતી. તમે હવે શાંતિથી પત્ર વાંચો ત્યાં સુધી હું રસોઈ બનાવી લઉં. તમારે અહીં જ જમવાનું છે. " જાનકી બોલી.

# વહાલા પ્રિયતમ, સમજાતું નથી કે આપને શું સંબોધન કરું ? મેં આજ સુધી મારું વચન નિભાવ્યું છે અને માત્ર તમારી જ બનીને જીવી છું. જિંદગીમાં ઘણી થપાટો મેં ખાધી છે. ઘણું સહન કર્યું છે. ભૂતકાળને વાગોળવાનો કોઈ અર્થ નથી. આપણી છેલ્લી મુલાકાત ના છ વર્ષ પછી તમારું સરનામું મેળવવા એકવાર હું વડોદરા માસીને મળવા આવી હતી પણ માસી ત્યારે આ દુનિયાને છોડીને ચાલી ગયેલાં એટલે નિરાશ થઈને પાછી આવેલી. આપણું લગ્ન કદાચ કુદરતને મંજૂર નહીં હોય !! દશેક વર્ષ પહેલાં અચાનક તમારું એડ્રેસ મળ્યું પણ તમારા હવે તો લગ્ન પણ થઇ ગયા હશે એમ માની આગળ ના વધી. તમારી ખ્યાતિ પણ બહુ સાંભળી છે. પણ ગયા વર્ષે જ્યારે મને જાણવા મળ્યું કે તમે મારે ખાતર લગ્ન પણ નથી કર્યા ત્યારે હું ખૂબ રડેલી. . મને લિવરનું કેન્સર હતું એટલે હવે તમારા જીવનમાં આવી ને તમને દુઃખી કરવાની કોઇ ઇચ્છા નહોતી. હું હવે કદાચ એકાદ બે મહિનાની મહેમાન છું એટલે આ પત્ર લખી રહી છું. "

"ડોક્ટર સાહેબ, તમે મારી એક વાત માનશો ? તમારી કેતકીની બે હાથ જોડીને આ વિનંતી છે. મારે ખાતર આખી જિંદગી તમે કુંવારા રહો તો મૃત્યુ પછી પણ મારા આત્માની ગતિ કઈ રીતે થાય ? તમે મારી લાડકી ભાણી જાનકીનો સ્વીકાર કરશો ? મેં જાનકીને બધું જ સમજાવી દીધું છે. એ તમારા થી ૨૩ વર્ષ નાની છે પણ એને આ સંબંધ મંજુર છે. આટલાં વર્ષોમાં મારા કારણે તમને જે નથી મળ્યું એ તમામ ખોટ મારી જાનકી પૂરી કરશે. મેં એને કહેલું છે કે મારા મૃત્યુ ના એક મહિના પછી તું કોઈની સાથે સંદેશો મોકલી એમને બોલાવી લેજે. અને આ પત્ર એમને આપજે. એ ચોક્કસ તારો હાથ પકડશે. જાનકી મારું જ આબેહૂબ સ્વરૂપ છે અને મારો જ નટખટ સ્વભાવ એનામાં આવેલો છે. એ તમને ભરપૂર પ્રેમ કરશે. બસ એનો સ્વીકાર કરો એટલે મને મુક્તિ મળી જશે ..... તમારી અર્ધાંગિની કેતકી.'

થોડી ક્ષણો માટે હું શૂન્યમનસ્ક થઈ ગયો. કેતકી ચાલી ગઈ હતી અને નવા જ જાનકી સ્વરૂપમાં યુવાન કેતકી મારા જીવનમાં પ્રવેશી રહી હતી !!

એકાદ કલાક સુધી મને એકાંત આપવા જાનકી રસોડામાં જ રોકાઈ રહી. જાનકીની સમજદારી માટે મને માન થયું. કલાક પછી ડાઇનિંગ ટેબલ ઉપર જાનકી એ અમારા બંનેની થાળી પીરસી અને મને જમવાનું આમંત્રણ આપ્યું.

" ત્યાં વોશબેસિન અને વોશરૂમ પણ છે. ફ્રેશ થઈ જમવા આવી જાઓ. " જાનકી બોલી.

ડાઇનિંગ ટેબલ ઉપર મારી જમણી બાજુ જાનકી ગોઠવાઈ ગઈ. જમવામાં કંસાર, દાળ, ભાત, શાક અને પુરી હતાં. કંસારમાં એણે ઘી નાખીને દળેલી ખાંડ પાથરેલી. અદ્દલ મારાં માસીની સ્ટાઇલ. લાપસી ચોળીને પહેલો કોળિયો મોઢામાં મુકવા જાઉં એ પહેલા તો જાનકીએ અચાનક પોતાના હાથેથી મને પહેલો કોળિયો ખવડાવી દીધો.

"હવે બીજો કોળિયો તમારે મને ખવડાવવાનો હોય... વરરાજા. " કહીને જાનકીએ શરારત ભરી નજરોથી મારી સામે જોયું.

અમારા બંનેની આંખો મળી. હું મુગ્ધ નજરે એને જોતો રહ્યો. ના એ જાનકી નહોતી, મારી કેતકી જ પાછી આવી હતી !!!
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post