રણને ભીંજવતી હેલી (Ran Ne Bhijavati Hely)

Related

👧 રણને ભીંજવતી હેલી👩
****************************પ્રવીણ શાહ
‘સર….સર….’
મેં પાછળ વળીને જોયું તો એક છોકરી મને બોલાવી રહી હતી. તે હેલી હતી. હું હમણાં જ મારો ભણાવવાનો પિરિયડ પૂરો કરીને કલાસરૂમમાંથી બહાર આવ્યો હતો અને મારી કેબિન તરફ જઈ રહ્યો હતો, ત્યાં મારી પાછળના કલાસરૂમમાંથી બહાર આવી હેલીએ મને ઊભો રાખ્યો.


AVAKARNEWS
રણને ભીંજવતી હેલી

‘સર, સૉરી મેં તમને ડિસ્ટર્બ કર્યા.’

‘ભલે, કંઈ વાંધો નહિ, બોલ…’ મેં કહ્યું.

‘સર, મારે જાણવું હતું કે આવતા અઠવાડિયે શરૂ થતી સેશનલ પરીક્ષા માટે તમારા વિષયનાં કેટલાં પ્રકરણ તૈયાર કરવાં ?’

‘ચાલ મારી કેબિનમાં, તને સમજાવી દઉં…’

હેલી મારી સાથે ચાલી. કેબિનમાં જઈ મેં તેને ક્યા પ્રકરણ અને શું તૈયાર કરવું તે બધું સમજાવી દીધું. હેલી ખુશ હતી. મને શ્રદ્ધા હતી કે હેલી હવે વાંચવામાં પડી જશે અને ઘણા સારા માર્ક લાવશે. હેલી અત્યારે અમારી કૉલેજમાં ‘બૅચલર ઑફ એન્જિનિયરીંગ’નું ભણતી હતી. આમ તો હું તેને જ્યારે તે કૉલેજના બીજા વર્ષમાં ભણતી હતી ત્યારનો મારી વિદ્યાર્થીની તરીકે ઓળખતો હતો. એકદમ ડાહી અને હસતી છોકરી. ઊજળી અને દેખાવડી તો ખરી જ. ઘણી છોકરીઓને રૂપનું ગુમાન બહુ હોય અને સાતમા આસમાને વિહરતી હોય. હેલી એક સામાન્ય કુટુંબમાંથી આવતી હતી. તેને જરાય અભિમાન નહીં, બલ્કે સ્વભાવની ખૂબ નમ્ર. મારા લેકચર દરમ્યાન એકચિત્તે સાંભળતી હોય. હોંશિયાર પણ ખૂબ જ. વ્યવસ્થિત નોટ બનાવે, દાખલાઓ જાતે ગણી જાય. ન આવડે તો મારા વિષય પૂરતું મારી કેબિનમાં આવીને મને પૂછી જાય. બોલવામાં ખૂબ જ વિવેકી. મારી સલાહ સામે ક્યારેય દલીલ ન કરે. આવી ડાહી છોકરીને ભણાવવાની પણ મજા આવે. રિસેષમાં એ એની સહેલીઓ સાથે લોબીમાંથી પસાર થતી હોય ત્યારે એના ઘંટડી જેવા રણકારમય અવાજથી કોઈનુંય ધ્યાન ખેંચાયા વગર ન રહે.

હેલીને મૂંઝવતા દાખલા કે અન્ય પ્રશ્નોનો હું ઉકેલ લાવી આપતો. એ માટે પૂરતો સમય ફાળવતો. જો કે મેં બધા વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ રાખી હતી. ગમે તેટલો ટાઈમ આપવો પડે તો પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો સુલઝાવતા રહેવું. એથી તો મારી કેબિનમાં વિદ્યાર્થીઓની અવરજવર વધુ રહેતી. હેલીની વાત કરવાની સ્ટાઈલ સરસ હતી. તે કહેતી :

‘સર, તમે શીખવો છો તે બધું તરત જ યાદ રહી જાય છે. વાંચીને સમજવાનું હોય ત્યારે વાર લાગે છે.’ એક શિક્ષકને પોતાની પ્રશંસા થાય તે ઘણું ગમે. હું કહેતો : ‘છતાંય તારે વાંચવાની ટેવ તો રાખવી જ જોઈએ.’

‘યસ સર’ કહીને તે દોડી જતી.

ધીરે ધીરે મને હેલીનો વધુ પરિચય થતો ગયો. મારા વિદ્યાર્થીઓ સારા રસ્તે જ આગળ વધે અને ખોટા રસ્તે ન ચઢી જાય, એવી લાગણી મને હંમેશાં રહેતી. મને જાણવા મળ્યું કે હેલી સુનીલ નામના અમારી જ કૉલેજના એક જુનિયર શિક્ષક સાથે અવારનવાર દેખાય છે. હેલી અમારા મિકેનીકલ ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીની અને સુનીલ કૉમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં હતો, એટલે હેલીને સુનીલનું કામ તો પડે જ નહિ. મારા ડિપાર્ટમેન્ટના બીજા શિક્ષકોએ પણ હેલીની સુનીલ સાથેની મુલાકાતોને સમર્થન આપ્યું. એથી જ્યારે હેલી કંઈક મુંઝવતો પ્રશ્ન લઈને મારી પાસે આવી ત્યારે મેં એને વાતવાતમાં પૂછી લીધું :

‘હેલી, તું પેલા સુનીલ સરને ઓળખે છે ?’

હેલીએ થોડા ગભરાટ અને શરમ, સંકોચ સાથે કહ્યું : ‘હા સર, હું સુનીલ સરને ઓળખું છું.’

‘હેલી, તારી એની સાથે ફક્ત ઓળખાણ જ છે કે કંઈક વધુ…. ?’

‘સર, અમારો પરિચય થયો છે. સુનીલ સર સ્વભાવે ઘણા સારા છે.’ હેલી થોડી શરમાઈને બોલી. મને હેલીના ચહેરાના હાવભાવ જોતાં લાગ્યું કે તે સુનીલ સાથે સંબંધ વધારવા ઈચ્છે છે. મેં કહ્યું, ‘એક શિક્ષક તરીકે સુનીલ બરાબર હશે, પણ તું સમજી વિચારીને તેમનો સંપર્ક રાખજે.’

આપણે જાણીએ છીએ કે ઘણા પૈસાપાત્ર નબીરાઓ કૉલેજમાં છોકરીઓને ભોળવીને તેમની લાગણીઓ જોડે ખેલે અને પછી તેનામાંથી રસ ઊડી જતાં, બીજા શિકાર તરફ તીર તાકે. હેલીની બાબતમાં આવું કંઈ ન બને તેની તકેદારી રાખવાનું હું તેને સૂચવી રહ્યો હતો. પણ હેલી ભોળી છોકરી હતી. રમતિયાળ અને કોઈને પણ ગમી જાય એવી છોકરી હતી. પછી સુનીલને કેમ ન ગમે ? હેલી પણ તેના પર વરસાદની હેલીની જેમ વરસી પડી હતી. મારી જાણકારી મુજબ, સુનીલનો સ્વભાવ એટલો બધો સારો નહિ, પણ હેલી આગળ તે સારું વર્ત્યો હશે. બે વર્ષ સુધી તેઓ સાથે ફરતાં રહ્યાં અને હેલીનું એન્જિનિયરીંગ સ્નાતકનું ભણવાનું પૂરું થયું કે તરત જ તેઓએ લગ્ન કરી લીધાં. હેલીના પપ્પા જયેશભાઈ અને મમ્મી નીતાબેનની પણ તેમાં સંમતિ હતી. લગ્ન પહેલાં વચ્ચે વચ્ચે જ્યારે હેલી મળતી ત્યારે સુનીલનાં વખાણ કરવામાંથી ઊંચી આવતી ન હતી. એ પછી હેલીનું કૉલેજનું ભણવાનું પૂરું થતાં હવે તે કૉલેજ આવતી બંધ થઈ ગઈ. તેને હું વિસારે પાડી ચૂક્યો હતો. સુનીલને પણ બીજી કૉલેજમાં સારી નોકરી મળતાં તેણે અમારી કૉલેજ છોડી દીધી હતી. હેલીના કોઈ સમાચાર હવે મળતા ન હતા.

બરાબર બે વર્ષ પછીના ફેબ્રુઆરી મહિનામાં હેલીએ અચાનક કૉલેજમાં દેખા દીધી. મારી કેબિનમાં તે મને મળવા આવી. તેનું શરીર થોડું વધ્યું હતું પણ તેના ચહેરા પર જે નિર્દોષ સ્મિત રહેતું હતું તે અત્યારે અલોપ થઈ ગયું હતું. ચહેરો વિલાયેલો હતો. મને લાગ્યું કે હેલી કોઈ મૂંઝવણમાં મુકાઈ ગઈ લાગે છે. મેં તેના ખબરઅંતર પૂછ્યા અને તેના ચહેરા સામે જોયું. તેની આંખોના ખૂણામાં આંસુનું ટીપું તગતગી રહ્યું હતું. મેં હળવેથી પૂછ્યું : ‘શું વાત છે હેલી ?’

થોડીવાર સુધી તો તેની આંખોમાંથી અશ્રુધારા વહેતી રહી. મેં તેને રડવા દીધી. થોડું મન હળવું થતાં, મેં ફરી પૂછ્યું : ‘શું વાત છે હેલી ? હું તારો હિતેચ્છું છું. ઉંમરમાં તારા પિતા સમાન છું. મને નહીં કહે ?’ અને હેલીએ તેની વિતકકથા ટૂંકમાં કહી.

‘સર, લગ્ન પછી છ-એક મહિના તો મારો અને સુનીલનો સંસાર સારો ચાલ્યો. પણ પછી ધીરે ધીરે સુનીલનો અસલી ચહેરો મને દેખાવા લાગ્યો. અમારું ઘર નવું નવું હતું. એટલે ઘણી વસ્તુઓ ખરીદવાની અને વસાવવાની થતી. હું કોઈ વસ્તુ ખરીદવાની વાત કરું તો સુનીલ કહે, ‘હાલ, તારા પપ્પાને ત્યાંથી લઈ આવ ને, પછીથી આપણે ખરીદી લઈશું….’ શરૂઆતમાં તો મેં એ પ્રમાણે કર્યું. એમ કરતાં કરતાં કેટલીયે વસ્તુઓ હું મારા પપ્પાને ત્યાંથી લઈ આવી. રસોઈ માટેનાં વાસણ, રસોઈનાં સાધનો, અનાજ ભરવા માટેના નાના-મોટા ડબ્બા, બરણીઓ, ખુરશીઓ, ડાયનિંગ ટેબલ, ગાદલાં, ચાદરો…. કેટકેટલું ગણાઉં ? ટૂંકમાં બધી જ ઘરવખરી. હવે તો એ મારા પપ્પા પાસે મોટી મોટી વસ્તુઓની માગણી કરી રહ્યો છે. ફ્રીઝ, ઘરઘંટી, બાઈક… સર, તેની માંગણીઓનો અંત નથી. પોતે કમાય છે પરંતુ પોતાના પૈસામાંથી કશું જ ખરીદવા નથી માગતો. તેને બધું જ મારા પપ્પા પાસેથી જ જોઈએ છે. મારા પપ્પા પણ બધું પૂરું પાડીને કંટાળી ગયા છે. રોજ ઊઠીને મને મનમાં ફડક રહે છે કે હમણાં કંઈક માગણી મૂકશે અને હુકમ કરશે કે ‘જા, તારા પપ્પાના ઘરેથી લઈ આવ…’ હવે તો ઘરમાં કોઈ વસ્તુ ખૂટે તો હું તેની વાત કે ચર્ચા પણ નથી કરતી. કારણ કે મને તેનો જવાબ ખબર છે. આ સ્થિતિમાં અમારે એકબીજા સાથે બોલવાનો વ્યવહાર પણ ઓછો થઈ ગયો છે. સર, સુનીલ ભલે એન્જિનિયર થયો હોય, પણ સ્વભાવનો વિકૃત છે. બહારથી કોઈને આવું લક્ષણ દેખાય નહીં પણ મારી જેમ નજીક રહ્યા પછી જ તેને ઓળખી શકાય. સર, બે દિવસથી હું મારા પપ્પાને ઘેર આવી છું. આજે મારી કૉલેજ જોવા નીકળી છું કે જેથી મારી કૉલેજની યાદોને તાજી કરી, થોડી હળવી થાઉં. સૉરી, તમારી સાથે આટલી બધી અંગત વાત કરી નાખી અને તમને દુઃખી કરી દીધાં.’

આટલું બોલીને હેલી અટકી. આમાં એની બધી વાત આવી જતી હતી. તેણે તેનાં હૃદયનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં હતાં. આટલી વાત કર્યા પછી તેના મનને થોડી શાતા વળી. તેની કથની સાંભળીને મને ઘણું દુઃખ થયું. એક હસતી-કુદતી નિર્દોષ ફૂલ જેવી છોકરી કેવી મજબૂર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી ! વરસાદની હેલી ભૂલથી રણમાં વરસી પડી હતી. રણમાં વરસાદ પડે તો ય શું અને ન પડે તો ય શું ? ત્યાં થોડાં ઝાડપાન ઊગવાનાં હતાં ! લગ્ન પછીનાં શરૂઆતનાં વર્ષો તો કેવા સુહાના હોય ! મનમાં ઊઠતા તરંગોને જીવનસાથીના સથવારે સાકાર કરવાના હોય. જિંદગીમાં બસ સુખ જ સુખ હોય, સુખ સિવાય કંઈ જ ન હોય. પણ હેલીના જીવનમાં સુખ સો જોજન દૂર રહી ગયું હતું. રણમાં આંધી ઊઠી હતી.

મારા મનમાં યે ગડમથલ શરૂ થઈ હતી. કઈ રીતે હું હેલીને સાંત્વન આપું, કઈ રીતે મદદરૂપ થઈ શકું તે હું વિચારી રહ્યો હતો. મેં તેને કહ્યું, ‘હેલી, તારા માટે મને પૂરતી સહાનુભૂતિ છે. હું ચોક્કસ કોઈ માર્ગ કાઢવા પ્રયત્ન કરું છું.’ હેલી શાંત થઈ પછી મેં તેને પૂછ્યું :

‘તું અત્યારે ક્યાં જવાની છે ? તારા ઘરે પાછી ક્યારે જવાની છે ? ’

‘સર, અત્યારે તો હું પપ્પાને ઘેર જ જઈશ. મારા ઘેર પાછા જવાનું તો મન જ નથી થતું. ક્યારેક તો એમ થઈ જાય છે કે હું સુનીલથી કાયમ માટે છૂટી થઈ જાઉં. મારાં જિંદગીનાં સ્વપ્નોથી તો હું ક્યાંય દૂર દોઝખમાં સપડાઈ ગઈ છું.’

‘ઠીક છે હેલી, હું એકવાર તારા પપ્પા-મમ્મી જોડે થોડી ચર્ચા કરું. તારા પ્રશ્નમાં રસ લઉં તો તને ગમશે ને ?’

‘સર, મને ગમશે,’ હેલીએ ખુશ થઈને કહ્યું, ‘આપ મારા દુઃખમાં ભાગીદાર થઈ મને રસ્તો સૂઝાડવા તૈયાર થયા છો તે બદલ આપનો…’ હેલી ‘આભાર’ શબ્દ બોલે તે પહેલાં જ મેં તેને કહ્યું, ‘બસ હેલી, તું એક વાર તારા પપ્પા-મમ્મીને મારી પાસે મોકલ…’

‘જી સર.’ કહીને હેલી ગઈ. તેના ચહેરા પર આનંદની લકીર હું જોઈ શક્યો.

હવે હું વિચારમાં પડ્યો. મનમાં અનેક તર્ક-વિતર્ક થતા રહ્યા. માર્ગ ભૂલેલ એક પથિકને મૂળ રસ્તે કઈ રીતે લાવવો તેની રૂપરેખા તૈયાર કરવામાં મનને પરોવ્યું. છેવટે મનમાં કંઈક માર્ગ વિચારીને તેના માતાપિતાને મળવાની રાહ જોઈ. બે દિવસ પછી હેલીના પપ્પા-મમ્મી કૉલેજમાં આવ્યા. થોડી ઔપચારિક વાતો પછી જયેશભાઈએ કહ્યું, ‘સર, તમે હેલીને આશ્વાસન આપ્યું એ ઘણું સારું કર્યું. અમે તો સુનીલનાં નખરાંથી હેરાન-પરેશાન થઈ ગયા છીએ.’

‘જુઓ જયેશભાઈ, વાત સાચી છે પણ આમાંથી કોઈ રસ્તો તો કાઢવો પડશે ને ? તમે કંઈ વિચાર્યું છે ખરું ?’ મેં પૂછ્યું.

‘વિચાર તો એમ થાય છે કે હેલીના ડાયવોર્સ કરી લઈએ, પણ પછી શું ? આ વિચારે હજુ ‘ડાયવોર્સ’ શબ્દ હું ઉચ્ચારતો નથી.’

‘એને બદલે કંઈક સમાધાનનો માર્ગ હું બતાઉં તો તમને ગમશે ?’ મેં કહ્યું અને ઉમેર્યું, ‘હાલ પૂરતું આપણે કંઈ જ કરવાને બદલે હેલી આગળ માસ્ટર ઑફ એન્જિનિયરીંગનું (M.E.) ભણવાનું શરૂ કરે તો કેવું ? તેનો જીવ કોઈ કામમાં પરોવાશે. બે વર્ષનો કોર્સ છે. પછી આગળ જોયું જશે. સમય સમયનું કામ કરશે.’ જયેશભાઈને મારી સલાહ રૂચી. હેલીને પણ ગમ્યું. સુનીલને પણ ગમ્યું. કદાચ એને મનમાં એમ હોય કે હેલી M.E. કરીને નોકરી કરશે તો ઘરમાં આવક વધશે. હેલીને જુલાઈથી શરૂ થતા સત્રમાં પ્રવેશ પણ મળી ગયો અને તે ફરીથી કૉલેજ આવતી થઈ ગઈ.

હેલી ફરીથી તેના અસલી મિજાજમાં આવી ગઈ. હું ખુશ હતો. હવે તેના અભ્યાસને લીધે તેનું તેના પપ્પાને ત્યાં રહેવાનું પ્રમાણ વધવા લાગ્યું. એવે સમયે સુનીલે પોતાનું જમવાનું અને ઘર સંભાળવાનું કામ જાતે કરવું પડતું. આથી તે થોડો ઢીલો પડ્યો. ઘરમાં ખૂટતી વસ્તુઓ વિશે હેલી હવે કશી વાત જ કરતી નહોતી. સુનીલ ક્યારેક પપ્પાને ત્યાંથી કોઈ વસ્તુ લઈ આવવાની માગણી કરે તો એ વાતને સિફત પૂર્વક ઉડાવી દેતી. સુનીલને હવે વિચાર આવ્યો કે હેલી ભણવાનું પૂરું કર્યા પછી નોકરી કરીને કમાતી થાય એ તો સારું કે ઘરમાં આવક વધે પરંતુ પોતે કમાતી થાય એટલે મારી વાત ન સાંભળે તો ? પછી તો એ પોતે જ પગભર થાય અને મારી માંગણીઓ પણ ન સંતોષે. વળી, અત્યારની જેમ તે તેના પપ્પાને ઘેર જતી રહે તો મને પડતી તકલીફોનું શું ? આના કરતાં સંપીને રહેવામાં વધુ લાભ છે. – સુનીલને પોતાના લાભાલાભ સિવાય બીજું કંઈ સૂઝતું નહોતું. આમ વિચારીને પણ છેવટે તે પોતાનો દૂરાગ્રહ ધીમે ધીમે છોડતો થયો. આની અસર એ થઈ કે હેલીએ હવે તેની સાથે પ્રેમપૂર્વક વર્તવા માંડ્યું. આમ થવાથી ધીમે ધીમે સુનીલને પણ એના માટે પ્રેમ જાગૃત થયો. એણે પોતાનો સ્વભાવ સુધાર્યો. હેલીના અભ્યાસનાં બે વર્ષ પૂરાં થયાં ત્યાં સુધીમાં તો એમની સંસારની ગાડી પાટે ચડી ગઈ.

હું ખુશ હતો. હેલી સૌથી વધુ ખુશ હતી. હેલીના પપ્પા-મમ્મી પણ સંતુષ્ટ હતાં અને સુનીલ તો આ ચમત્કાર કઈ રીતે થયો તેની ભાંજગડમાં બહુ પડ્યો જ નહિ ! – અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post