શીર્ષક: પરભવની પ્રીત
લેખક: રતીલાલ વાયડા "મૃગેશ"
નરસિંહભાઈને એક ૨૧ વર્ષની પુત્રી હતી, જેનું નામ મુક્તા. તે ખૂબ જ સુંદર, દેખાવડી અને શિક્ષિત હતી. ગામના જ એક મહેશ નામના યુવાન સાથે તેની આંખો ટકરાઈ.
પરભવની પ્રીત - નવલિકા
બંને સાથે કૉલેજમાં ભણતાં, તેથી ધીરે-ધીરે પ્રીત પાંગરી. પત્રોની આપ-લે થતી, ક્યારેક મુલાકાતો થતી અને આમ બંનેનાં હૈયાં હિલોળે ચડ્યાં હતાં.
કહેવાય છે ને કે, "ખેર, ખૂન, ખાંસી, ખુશી, પ્રીત અને મધુપાન ગમે તેટલાં છુપાવો તો પણ છુપાવી શકાતાં નથી!" તેમ મુક્તા અને મહેશની વાતો તેના પિતાના કાને પહોંચી.
મહેશ નીચી જ્ઞાતિનો અને ગરીબ હોવાને કારણે પિતાનો અહમ દુભાયો. તેમણે પોતાની પુત્રીને મહેશને છોડી દેવા માટે ખૂબ સમજાવી. મુક્તા માટે સારા પૈસાદાર કુટુંબમાંથી માગાં આવવા લાગ્યાં, પરંતુ મુક્તા એકની બે થતી ન હતી.
તે મહેશને કોઈપણ સંજોગોમાં છોડવા ઈચ્છતી ન હતી. છેવટે, મુક્તાનું સગપણ તેની ઈચ્છા વિરુદ્ધ ગામના એક સાધનસંપન્ન ધનવાનના પુત્ર મોહનની સાથે નક્કી કરી દેવામાં આવ્યું.
મુક્તાને આ સંબંધ જરાય પસંદ ન હતો, પરંતુ મા-બાપની સામે તે મજબૂર હતી. ધીરે-ધીરે લગ્નનો સમય પણ નજીક આવવા લાગ્યો અને ઘરમાં તૈયારીઓ થવા લાગી.
આ દરમિયાન એક વખત મુક્તાએ મહેશને મળવા માટે બોલાવ્યો. મહેશ અને મુક્તા એકાંતમાં મળ્યા, પરંતુ આ વાતની પિતાને ખબર પડી જતાં તેમનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો!
તેઓ તરત જ ત્યાં પહોંચી ગયા અને મહેશને ઢોર માર માર્યો. કાતિલ હથિયારથી તેના પર હુમલો કર્યો, જેને કારણે તે લોહીલુહાણ થઈને ઢળી પડ્યો. દવાખાને લઈ જતાં મહેશને મૃત જાહેર કરવામાં આવ્યો અને આખા ગામમાં હાહાકાર મચી ગયો!
નરસિંહભાઈની ધરપકડ તો કરવામાં આવી, પરંતુ પૈસા અને વકીલોની ચાલાકીના કારણે પૂરતા પુરાવાના અભાવે તેઓ નિર્દોષ છૂટી ગયા.
થોડા મહિના પછી મુક્તાએ પણ આ ગમમાં અગ્નિસ્નાન કરી લીધું અને પ્રભુપ્યારી થઈ ગઈ. આમ, મુક્તા અને મહેશ બંને પ્રેમીપંખીડાનો ધરાર કરુણ અંજામ લાવવામાં આવ્યો.
કૉર્ટમાંથી નિર્દોષ છૂટ્યા પછી પણ નરસિંહભાઈના આત્માને કોઈ શાંતિ ન હતી. તેમને વારંવાર બંનેના સ્વપ્નાં આવતા હતા. પોતાના કરેલા ઘોર કર્મો તેમને ઊંઘવા કે ખાવા-પીવા દેતા ન હતા.
તેઓ બબડતા કે, "મારા હાથમાં ગમે તેટલું અત્તર લગાવું, તો પણ લોહીની દુર્ગંધ મને આવે છે!" તેઓ જ્યારે જમવા બેસતા, ત્યારે જાણે માંસના લોચા મોઢામાં આવતા હોય તેવો તેમને ભાસ થતો હતો.
આમ, આવી કરુણ મનોદશામાં નરસિંહભાઈએ પણ એક દિવસે આપઘાત કરી લીધો. પ્રેમીઓના દિલ દુભાવવાનો કેવો કરુણ અંજામ આવે છે, તે વાત ગામલોકોએ અને સૌએ પ્રત્યક્ષ અનુભવી.
સમય વીતતો ગયો. એક ગામમાં નંદલાલ નામના વ્યક્તિને ત્યાં એક પુત્રીનો જન્મ થયો, જેનું નામ મોહિની રાખવામાં આવ્યું. તે જ રીતે ત્યાંથી ૧૦૦ કિલોમીટર દૂર કિશોરભાઈ નામના એક વેપારીને ત્યાં પુત્રનો જન્મ થયો, જેનું નામ કિશન રાખવામાં આવ્યું.
મોહિની અને કિશન જ્યારે પાંચેક વર્ષના થયા, ત્યારે તેમના મગજમાં પૂર્વજન્મના ખ્યાલો આવવા લાગ્યા. તેઓ પોતાના પૂર્વજન્મ વિશે માતા-પિતાને વાતો કરવા લાગ્યા, પરંતુ તેમની આ વાતો પર કોઈ ખાસ ધ્યાન આપવામાં ન આવ્યું.
એક લગ્ન સમારંભમાં મોહિની અને કિશન મળ્યા. ત્યારે બંને લગભગ ૨૧ વર્ષના હતા. બંનેને સામસામે જોતાં જ કોઈ પૂર્વજન્મની પ્રીત હોય તેવો સ્નેહ થવા લાગ્યો!
ઓળખતા ન હોવા છતાં જાણે બંને વર્ષોથી એકબીજાને ઓળખે છે તેવો ભાવ તેમના મનમાં જાગ્યો. બંને એકબીજાને મળ્યા અને પોતાના મનની વાતો કહેવા લાગ્યા.
બંનેએ દિલ ખોલીને જાણે પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો હોય તેવી રીતે ભૂતકાળની તમામ વાતો કરી. એકબીજાની સામે કબૂલાત કરી કે, "આપણે કોઈ પૂર્વજન્મના પ્રેમી છીએ!"
ત્યાર પછી બંનેના મા-બાપને પણ આ વાતની જાણકારી આપવામાં આવી. તેઓએ પણ ઘટનાની ખરાઈ કરવા માટે ભૂતકાળમાં ડોકિયું કર્યું. બનેલી ઘટનાની તેઓએ રૂબરૂ જઈને તપાસ કરી અને તે વાત સાવ સત્ય લાગી.
આખરે, પૂર્વજન્મના આ બંને પ્રેમીઓના ધામધૂમથી લગ્ન કરાવી આપવામાં આવ્યા. આમ, પૂર્વજન્મની પ્રીતિ ગમે ત્યારે એકબીજાને ભેગા કરી જ દે છે!
માણસના ભાગ્યમાં શું લખાયું છે તે કોઈને ખબર નથી. ભવિષ્યવક્તાઓ ભલે ગમે તેટલી આગાહીઓ કરતા હોય, પરંતુ કુદરતે જન્મ, લગ્ન અને મૃત્યુ – આ ત્રણેય પોતાના હાથમાં જ રાખેલાં છે.
દરેકના પોતાના કર્મ પ્રમાણે તેના માતા-પિતા, પતિ-પત્ની અને અન્ય સંબંધો કુદરતના ઘટનાક્રમ પ્રમાણે પૂર્વજન્મના કર્મો અને પ્રેમને આધારે જ નિર્માણ પામેલા હોય છે. પૂર્વજન્મની પ્રીતિનો આ સત્ય દાખલો તેનું જ એક સુંદર ઉદાહરણ છે.
દુનિયામાં આવી ઘણી બધી ઘટનાઓ બની રહી છે અને 'પેરાસાયકોલોજી'ના એક અધ્યયન પ્રમાણે આવી ઘટનાઓ સત્ય હોય તેવું સાબિત પણ થયેલું છે. આપણે કંઈ નથી, માત્ર કુદરતના હાથના રાખનાં રમકડાં છીએ.
ભગવાને આપણા માટે બધું જ નક્કી કરીને અને આ પૃથ્વી પર આપણો નકશો દોરીને જ મોકલ્યા છે; અને એ નકશા પ્રમાણે જ કામ થાય છે. માણસ જન્મે છે, જીવે છે, લગ્ન કરે છે અને આનંદ કરે છે.
સુખ-દુઃખ, સારું-માઠું, સદ્ભાગ્ય-દુર્ભાગ્ય વગેરે પણ આપણા નસીબમાં જે લખાયેલું હોય તે જ પ્રમાણે મળ્યા કરે છે. માટે માણસે વ્યર્થ ચિંતા કર્યા વિના ઈશ્વરે જે આપી દીધું છે તેનો સહર્ષ સ્વીકાર કરીને આનંદપૂર્વક જીવન જીવવું જોઈએ.
"સુખી થાઓ અને સુખી કરો" એ જ ભાવના હોવી જોઈએ. જીવનમાં સારાં કાર્યો જ તમને સાચો આનંદ આપે છે!
બાંહેધરી: નામ રતીલાલ વાયડા. આથી હું બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત અને અપ્રકાશિત રચના છે.
તારીખ: ૨૨/૧૨/૨૦૨૫, શનિવાર. (રોડપાલી, નવી મુંબઈ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
