"વાંચન વિશેષ વેબસાઇટ "આવકાર" પર આપનું સ્વાગત છે, અમારા વિશે વધુ જાણવા વેબસાઇટના અંત ભાગમાં આવેલ "About Us" પર ક્લિક કરશો."

ત્રિકોણ - નવલિકા

Related

ત્રિકોણ

શારદાબેનના પગ હીંચકાને હિલોળતા હતા, પણ મન તો તેમનું ભૂતકાળને વાગોળતું હતું. કેવો સુખી પરિવાર હતો... સુરેશભાઈ, શારદાબેન, અથર્વ અને વહુ આરતી... પણ ખબર નહીં, કોની ખરાબ નજર આ હસતા-રમતા પરિવારને લાગી ગઈ!

ત્રિકોણ - વર્ષા ભટ્ટ "વૃંદા"
ત્રિકોણ - નવલિકા

તેઓ હરિદ્વાર યાત્રા કરવા ગયાં અને અકસ્માતમાં સુરેશભાઈ અને અથર્વ સાથ છોડી ગયા. જાણે ઘરનો મોભ જતો રહ્યો હોય એવું લાગતું હતું. 
મહા પરાણે પોતાની જાતને સંભાળી અને સાથે આરતીને પણ હિંમત આપીને નવું જીવન જીવવાની શરૂઆત કરી.

ગામડે રહેતાં તેમનાં સાસુ લાછીબા પણ જાણે દીકરા અને પૌત્રના મોતથી હારી ગયાં હતાં. તેઓ હવે શારદાબેન અને આરતી સાથે જ રહેતાં હતાં. ત્રણ પેઢી સાથે હતી પણ કોઈપણ જાતના આધાર વગર જીવવું દોહ્યલું હતું.

લાછીબાનો અવાજ આવતાં શારદાબેને પગથી રોકીને હીંચકો ઊભો રાખ્યો અને અંદર ગયાં.
શારદાબેન : "શું થયું બા?"
લાછીબા : "વહુ, મારી પાસે બેસો, મારે તમને થોડી વાત કરવી છે." (લાછીબા શારદાબેનને વહુ કહેતાં, પણ આરતીને તો દીકરી જ માનતાં હતાં.)

શારદાબેન બાના ખાટલા પર બેઠાં એટલે લાછીબાએ ધીમેથી કહ્યું: "જો વહુ, મને આજે તબિયત બરાબર લાગતી નથી. જો મને કંઈ થાય તો ગામડાનું ઘર વેચી જે રૂપિયા આવે તે આરતીને આપી દેજે, અને મારા જે દરદાગીના છે, એ તમે રાખજો."

શારદાબેન : "બા, આ શું બોલો છો? તમને કંઈ નહીં થાય. હું હમણાં જ આરતીને ફોન કરું છું."
એમ કહીને શારદાબેન આંખોમાં આંસુ સાથે લાછીમાને ભેટી પડ્યાં. 
કોણ કહે છે કે એક સ્ત્રી, સ્ત્રીની દુશ્મન છે? અહીં તો બે સાસુઓ અને બે વહુઓ સંપીને એકબીજાનો આધાર બની રહેતી હતી.

શારદાબેને આરતીને ફોન કરી હોસ્પિટલમાં આવવા કહ્યું અને પોતે બાને લઈ સીધાં હોસ્પિટલ પહોંચી ગયાં.
ડોક્ટર અમન લાછીબાને ચેક કરતા હતા, થોડું ડાયાબિટીસ વધી જવાને કારણે તકલીફ થઈ હતી.
એટલામાં આરતી પણ ગભરાયેલી ત્યાં આવી પહોંચી.

આરતી : "મમ્મી, બાને શું થયું? તબિયત તો બરાબર છે ને?"
રૂપાળી, નમણી નાગરવેલ જેવી આરતીને જોઈ, ઈશ્વર સાથે ઝગડો કરવાનું મન થાય કે આટલી નાની ઉંમરમાં આટલું મોટું દુઃખ તેના જીવનમાં કેમ આપ્યું!

શારદાબેન : "ડોક્ટર સાહેબ હમણાં જ ચેક કરીને ગયા, બસ થોડું ડાયાબિટીસ વધી ગયું છે."
આરતી તરત જ ડોક્ટરની કેબિનમાં પહોંચી. દરવાજો ખોલતાં જ તે ચોંકી ગઈ...
આરતી : "તું? આઈ મીન... તમે?"

અમન : "આરતી... તું?"
આરતી ખુરશી પર બેઠી એટલે અમને પૂછ્યું: "શું થયું? કોણ બિમાર છે?"
આરતી : "મારાં દાદી સાસુ... ડાયાબિટીસ વધી ગયું છે."

અમને આરતી પાસેથી ફાઈલ લીધી અને રિપોર્ટ્સ જોવા લાગ્યો.
આરતી અંદરથી સાવ ઢીલી થઈ ગઈ હતી. ઘરનો સાચો આધાર ગણો કે મોભ... દાદીએ હંમેશા આરતીને હિંમત આપી હતી.
તેઓ એકબીજાને સહારે જીવન જીવી જાણતાં હતાં, પણ જો આ 'ત્રિકોણ'નો એક ખૂણો પણ તૂટી જાય તો...!

અમન : "બસ થોડું ડાયાબિટીસ વધી ગયું છે."
આરતી : "ઓકે, બીજું કંઈ ચિંતા જેવું તો નથીને!"
અમન : "ના, તારા પતિદેવ શું કરે છે?"

આ સાંભળી આરતી થોડી ઝંખવાણી પડી... પછી ધીરેથી બોલી: "હવે તેઓ આ દુનિયામાં નથી!"
અચાનક આંચકા સાથે અમન બોલી પડ્યો: "વોટ? શું થયું તેમને?"
આરતી : "એક અકસ્માતમાં મારા પતિ અને સસરા બંને... કદાચ ભગવાનને અમારો સાથ મંજૂર નહીં હોય!"

આરતી બહાર આવી, એટલામાં શારદાબેન પણ આવ્યાં.
શારદાબેન : "શું થયું? શું કહ્યું ડોક્ટર સાહેબે?"
આરતી : "બાને કંઈ નથી થયું."

લાછીબા : "એ છોડી... આ ડાક્તરે કંઈ કીધું?"
આરતી : "મારાં દાદીને કંઈ ન થાય."
પછી તેઓ ટેક્સી કરીને ઘરે પહોંચ્યાં.

શારદાબેન રસોડામાં ગયાં અને ચા બનાવવા ગેસ પર તપેલીમાં પાણી મૂક્યું. ચા, ખાંડ અને પાણી ઉકળતાં હતાં પણ શારદાબેન વિચારોમાં ખોવાયેલાં હતાં. સવારે જે બાએ વાત કરી, એ ફરી-ફરીને તેમને યાદ આવતી હતી.

જો લાછીબાને કંઈ થશે તો? આરતીને ફરીથી લગ્ન કરવા કેટલી સમજાવી પણ માની જ નહીં.
વિચારોમાં ને વિચારોમાં અચાનક ચા ઉભરાઈ ગઈ.
આરતી : "તમે ક્યાં ખોવાઈ ગયાં, આ ચા પણ ઉભરાઈ ગઈ!"

શારદાબેન આરતીને ભેટીને રડવા લાગ્યાં.
આરતી : "તમે ખોટી ચિંતા કરો છો! બાને કંઈ નહીં થાય."
આરતીએ શારદાબહેનની આંખોમાંથી આંસુ લૂછ્યાં અને બહાર આવી.

આરતી : "લો, બા આ ગોળી ખાઈ લો અને હા, ડોક્ટરે કહ્યું છે કે હવે ગળ્યું ખાવાનું બધું બંધ... ઓકે?"
લાછીબા : "ઈ, ડાક્તર તો કે... પણ આ મોઢાને કેમનું રોકવું?"
આરતીએ લાછીબાનો હાથ પકડી લીધો: "પણ અમને તમારી જરૂર છે... અમારા માટે."

લાછીબા : "હા, પણ મારી એક શરત છે."
આરતી : "બોલો બા, તમારી બધી શરતો મંજૂર."
લાછીબા : "તું લગ્ન કરી લે."

એટલામાં શારદાબેન બધાં માટે ચા લઈને હોલમાં આવ્યાં.
શારદાબેન : "આ દાદી-પૌત્રી મળીને શું ખીચડી પકાવો છો?"
આરતી : "બસ એજ કે આજથી બાનું ગળ્યું ખાવાનું બંધ."

લાછીબા : "પણ ચા તો મેં ગળી બનાવી છે?"
આરતી : "આજે છેલ્લી વખત... ઓકે? પછી બધું બંધ."
ત્રણેયે સાથે બેસીને ચા પીધી. પછી લાછીબા સૂતાં, શારદાબેન રસોઈની તૈયારી કરવા રસોડામાં ગયાં અને આરતી તેના રૂમમાં આવી.

આરતીને અમન સાથે થયેલી પહેલી મુલાકાત યાદ આવી ગઈ. તે ભૂતકાળમાં સરી પડી...
યુવાનીમાં ડગ માંડતી આરતી ત્યારે કોલેજમાં હતી.
રમેશભાઈ, રાધાબેન, રવિ અને આરતીનો નાનો પરિવાર હતો. રવિ એમ.બી.બી.એસ કરતો હતો.

થોડા સમયથી સોસાયટીમાં એક નવો પરિવાર રહેવા આવ્યો હતો. ...જનકભાઈ, જયાબેન અને એમનો દીકરો અમન.
આરતી નવી નવી એક્ટિવા શીખી હોવાથી હજુ બહુ બેલેન્સ ન રહેતું.

એક દિવસ આરતી કોલેજથી આવતી હતી અને સામેથી અમન બાઈક લઈને આવતો હતો. 
આરતીથી બ્રેક ન લાગી અને તેની એક્ટિવા અમનની બાઈક સાથે અથડાઈ.
અમન : "ઓ, મેડમ... ચલાવતાં ન આવડે તો ન ચલાવો."

આરતી : "ઓ, મીસ્ટર... વાંક મારો નહીં, તમારો હતો."
અમન : "આ છોકરીઓ ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતી નથી."
આરતી : "ઓ, મીસ્ટર..." એટલું બોલતાં આરતીએ પોતાના છોલાયેલા ગોઠણને જોઈ ઉંહકારો કર્યો.

અમન : "ઓહ! ચાલો તમને ડોક્ટર પાસે લઈ જાઉં."
આરતી : "ના, આભાર આપનો."
એટલું બોલી આરતી ત્યાંથી નીકળી ગઈ. અમન તો આરતીની બોલવાની છટા જોઈ ઘાયલ જ થઈ ગયો.

આ વાતને ઘણા દિવસો વીત્યા. એક દિવસ રમેશભાઈ અને રાધાબેન બહાર ગયાં હતાં. 
રવિ ઉપરનાં માળે રૂમમાં હતો, અને આરતી રસોડામાં હતી.
એટલામાં દરવાજા પર ટકોરા પડ્યા...

અમન : "કોઈ છે?"
આરતી (અંદરથી જ) : "ના, કોઈ નથી... એટલી પણ ખબર નથી પડતી કે, ઘરમાં કોઈ હોય તો જ દરવાજો ખુલ્લો હોય ને!"
અમનને અવાજ જાણીતો લાગ્યો. આરતી બહાર આવી...

આરતી : "તું? અહીં ઘર સુધી પહોંચી ગયો?"
અમન : "તમે? અહીં રહો છો?"
આરતી : "હા, બોલો હવે શું કહેવાનું બાકી રહી ગયું હતું કે, છેક ઘર સુધી પહોંચી ગયા?"

અમન : "સોરી, બટ મારે રવિનું કામ છે."
આરતી : "રવિ... એમને કેમ ઓળખો તમે?"
અમન : "અમે સાથે જ કોલેજમાં છીએ."
આરતી : "ઓહ! તો આપ ડોક્ટરી ભણો છો, એમ?"

એટલામાં રવિ પણ નીચે આવ્યો.
રવિ : "અરે! અમન... આવ... બેસ."
આરતી રવિની વાત સાંભળી છોભીલી પડી ગઈ. અમન બેઠો અને આરતી પાણી લઈ આવી.

બસ, પછી તો અવારનવાર અમન ઘરે આવતો અને આરતી સાથે મુલાકાત થતી. અમનને આરતી પસંદ હતી, આરતીને પણ અમન ગમતો હતો, પણ ક્યારેય બેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં.
આવતાં-જતાં બંનેની આંખો મળતી અને દિલથી દિલના તાર જોડાઈ જતાં.

સમય જતાં કોલેજ પણ પૂરી થઈ. આરતી વેકેશનમાં તેના મામાના ઘરે ગઈ. એ જ સમયમાં અમનના પિતાની બદલી થતાં તેઓ વડોદરા શિફ્ટ થયા. જ્યારે આરતી ઘરે પાછી ફરી તો રવિ પાસેથી ખબર પડી કે અમન અને તેનો પરિવાર વડોદરા જતા રહ્યા છે.

આ બાજુ મામાએ એક સારા ઘરના છોકરા વિશે વાત કરી.
રમેશભાઇને ઘર અને છોકરો સારાં લાગતાં સગાઈ કરી અને છ મહિનામાં લગ્ન પણ કરી દીધાં.
આરતી અમન અને તેની યાદોને અમદાવાદમાં જ છોડી સાસરે જતી રહી.

શારદાબેન : "આરતી... આરતી... ચાલ જમવા."
શારદાબેનના અવાજથી આરતી ભૂતકાળમાંથી પાછી ફરી.
બધાં સાથે બેસીને જમ્યાં અને આરતી તેના રૂમમાં સૂવા માટે ગઈ.

સૂરજનાં કિરણો ધરતી પર ફેલાતાં સવાર સોનેરી લાગતી હતી.
આરતી તૈયાર થઈ બાને લઈને હોસ્પિટલ પહોંચી.
અમનને પણ આખી રાત ઊંઘ નહોતી આવી. આરતી અને તેની યાદો તેને ઘેરી વળી હતી.

દરવાજા પર નોક થયું.
અમન : "યસ..."
આરતી : "ગુડ મોર્નિંગ... જય શ્રી કૃષ્ણ. કેમ છે બાની તબિયત?"
લાછીબા : "મને વળી શું થાય, સો વરસ જીવવાની છું."

બાને ચેકઅપ માટે નર્સ લઈ ગઈ.
અમન : "આરતી, તમે ચિંતા ન કરો."
આરતી : "ચિંતા તો થાય જ ને! અમે ત્રણેય એકબીજાનો સહારો છીએ... એક પણ જશે તો જીવી નહીં શકીએ."

અમન : "તમે અને તમારો પરિવાર ખુશ છો ને!"
આરતી : "પરિવારમાં તો ફક્ત હું અને માં જ છીએ."
અમન : "એટલે, તમે લગ્ન નથી કર્યાં?"

અમન (પોતાની વાત કરતા) : "ના... અમદાવાદ છોડી અમે વડોદરા આવ્યાં. બધું એટલું ઝડપથી બની ગયું કે, તમને મળી પણ ન શક્યો. પછી મેં રવિ સાથે ફોન પર વાત કરી તો જાણ થઈ કે તમારાં લગ્ન છે. બસ મેં પણ આશા સાથે લગ્ન કર્યાં પણ સુખ મારા નસીબમાં ન હતું. લગ્નની પહેલી જ રાત્રે આશાએ કહ્યું કે હું કોઈ બીજાને ચાહું છું અને માતાપિતાના દબાણથી તમારી સાથે લગ્ન કર્યાં છે. બસ મેં આશાને તેનો પ્રેમ સોંપ્યો અને હું તમારી યાદો સાથે જીવન જીવવા લાગ્યો."
આરતી : "જીવનમાં આપણી ઈચ્છા મુજબ કશું નથી થતું, પણ જે મળે તેને ગમતું કરવું પડતું હોય છે."

એટલામાં નર્સ આવી અને વાત અધુરી રહી.
અમન : "જય શ્રી કૃષ્ણ બા... તમારે હજુ સો વરસ જીવવાનું છે."
લાછીબા : "હા, આરતીનાં લગ્ન થઈ જાય પછી ભલે મને મોત આવે."

બાની વાત સાંભળી અમન અને આરતી એકબીજાની સામે જોવા લાગ્યાં.
આરતી : "ઓકે, જઈએ."
આરતી બાને લઈને નીકળી... અમન આરતીને જતો જોઈ રહ્યો.
વર્ષો પછી દિલના કોઈ ખૂણામાં છૂપાયેલી લાગણી ફરીથી સળવળી ઉઠી... "કાશ... આરતી ફરી મારા જીવનમાં આવે."

ઘરે પહોંચી બાને દવા આપી સુવાડી દીધાં. આરતી બહાર હીંચકા પર બેઠી હતી.
શારદાબેન પણ તેની પાસે બેઠાં.
શારદાબેન : "શું થયું, કેમ ઉદાસ છે?"

આરતી શારદાબેનને ભેટીને રડી પડી અને અમનની બધી વાત કરી.
આરતી શારદાબેનના ખોળામાં માથું રાખી સૂઈ ગઈ.
સવારે લાછીબા પૂજા કરતાં હતાં. શારદાબેને આરતી અને અમનની બધી વાત તેમને કરી.

અચાનક લાછીબા બેભાન થઈ ગયાં... આરતી દોડીને આવી.
શારદાબેન : "આરતી, અમનને ફોન કર."
થોડીવારમાં અમન પણ આવી ગયો. આરતી તો ગભરાઈ ગઈ.

લાછીબા (ભાનમાં આવતા) : "આરતી, તારે મારી આખરી ઈચ્છા પૂરી કરવી પડશે."
આટલું બોલી તેમણે આરતીનો હાથ અમનના હાથમાં સોંપ્યો. બંને એકબીજા સામે જોવા લાગ્યાં.
લાછીબા : "માનીશને મારી વાત?"

આરતી (આંસુ સાથે) : "હા, બા તમે જે કહો તે."
અમન : "હા, મારી પણ હા જ છે."
લાછીબા થોડાં સ્વસ્થ થયાં.

શારદાબેન મીઠાઈ લાવ્યાં અને બધાનું મોં મીઠું કરાવ્યું.
આરતી (હસતા હસતા) : "એમ, તો આ આપ બંનેની ચાલ હતી, એમ ને?"
આખરે અમનનાં માતા રસીલાબેન, લાછીબા અને શારદાબહેનની હાજરીમાં અમન અને આરતીએ સાદાઈથી લગ્ન કર્યાં. આજે એક જ ઘરમાં સૌ સાથે હળીમળીને રહે છે.

વર્ષા ભટ્ટ (વૃંદા)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post

Ads

"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."